Tuesday 15 July 2014

Balgeeto


બાળગીતો





માના ગુણ
by દલપતરામ

હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.













અઠવાડિયું

રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો,
છઠ્ઠો શુક્રવાર,
શનિવાર તે સાતમો,
છેલ્લો વાર ગણાય,
એમ મળી અઠવાડિયું,
સાત દિવસનું થાય.



સો વરસનો થા
by [[Author:ઊમાશંકર જોષી]
આજ તો છેને એવું બન્યું-
એવું બન્યું, બા!
ચાટલામાં હું જોવા જાઉં,
શું હું જોતો આ?-

સફેદ માથું, સફેદ દાઢી,
સફેદ મોટી મૂછો!
ગભરાઈ જતાં-જતાં મેં તો
સવાલ તરત પુછ્યો :

હસે છે મારી સામે લુચ્ચું
કોણ રે કોણ છે તું?
ચાટલામાંથી પડઘો પડ્યો
તરત ઘડી : "તું"

આ તો નવી નવાઈ, આવું
બનતું હશે, બા?
આ હસી બેવડ વળી કહે "
"
સો વરસનો થા."


ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખું ઘરનું આંગણું
ચોખ્ખો ઘરનો ચોક;
ચોખ્ખો ઘરનો ઓટલો
ચોખ્ખાં મેડી ગોખ.
ચોખ્ખાં ઘર, કપડાં થકી,
માણસ બહુ સોહાય,
શરીર ચોખ્ખું રાખીએ,
રોગ કદી નવ થાય.
નાહ્યેથી તન સાફ રહે,
સાચેથી મન સાફ.
મન, તન, ઘર છે સાફ,
દૂર રહે નિત પાપ.


મેં એક બિલાડી પાળી છે
by ત્રિભુવન વ્યાસ

મેં એક બિલાડી પાળી છે,તે રંગે બહુ રૂપાળી છે,
એ હળવે હળવે ચાલે છે,ને અંધારામાં ભાળે છે,
દૂધ ખાય, દહીં ખાય,ઘી તો ચપચપ ચાટી જાય,
તે ઉંદરને ઝટપટ ઝાલે,પણ કૂતરાથી બીતી ચાલે,
એના ડિલ પર ડાઘ છે,એ મારા ઘરનો વાઘ છે.

 

 

નાની મારી આંખ

નાની મારી આંખ એ જોતી કાંખ કાંખ
એ તો કેવી અજબ જેવી વાત છે
નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું
એ તો કેવી અજબ જેવી વાત છે
નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન
એ તો કેવી અજબ જેવી વાત છે
નાનું મોઢું મારું એ બોલે સારું સારું
એ તો કેવી અજબ જેવી વાત છે
આંગળી મારી લપટી એથી વગાડું ચપટી
એ તો કેવી અજબ જેવી વાત છે
નાના મારા હાથ એ તાળી પાડે સાથ
એ તો કેવી અજબ જેવી વાત છે
પગ મારા નાના એ ચાલે છાનામાના
એ તો કેવી અજબ જેવી વાત છે
એ તો કેવી અજબ જેવી વાત છે
એ તો કેવી અજબ જેવી વાત છે

હું ને ચંદુ

હું ને ચંદુ
by રમેશ પારેખ

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે ચંદુ
કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બિક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી
ઓ માઓ મા……
દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,
તેણે પહેરી સાડી,
સાડી પહેરી ફરવા ગઈ,
તળાવમાં તે તરવા ગઈ,
તળાવમાં તો મગર,
બિલ્લીને આવ્યા ચક્કર,
સાડીનો છેડો છૂટી ગયો,
મગરના મોઢામાં આવી ગયો,
મગર બિલ્લીને ખાઈ ગયો.

વારતા રે વારતા

વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાઓને સમજવતા.
એક છોકરો રિસાણો,
કોઠી પાછળ ભિંસાણો,
કોઠી પડી આડી,
છોકરે રાડ પાડી,
અરરર માડી.
મામાનું ઘર કેટલે

મામાનું ઘર કેટલે,
દીવા બળે એટલે,
દીવા મેં તો દીઠા,
મામા લાગે મીઠા.
મામી મારી ભોળી,
મીઠાઈ લાવે મોળી,
મોળી મીઠાઈ ભાવે નહિ,
રમકડાં તો લાવે નહિ.




અડકો દડકો દહીં દડૂકો

અડકો દડકો દહીં દડૂકો,
પીલુ પાકે શ્રાવણ ગાજે,
ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ,
સાકર શેરડી ખજૂર,
બાઈ તમારા છૈયા છોકરા,
જાગે છે કે ઊંઘે છે,
અસ મસ ને ઢસ!!!!

પા પા પગલી

પા પા પગલી,
મામાની ડગલી.

મામાની ડગલી,
હીરાની ઢગલી.

હીરા ઊછળિયા,
આભલે અડિયા.

આભલે અડિયા,
તારલા બન્યાં!!

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.

તું કપડાં ધુએ ભલે ધબ્બ ધબ્બ ધબ્બ,
હું પાણીમાં નહીં કરું છબ્બ છબ્બ છબ્બ,
મારી ચપટી ભીંજાઈ જાય ડબ્બ ડબ્બ ડબ્બ.
બા, મને મુન્ની રમાડતાં આવડી ગઈ.

બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.

-
રમેશ પારેખ

ચાંદા પોળી

ચાંદા પોળી
ઘીમાં ઝબોળી.
સૌ છોકરાંને
કટકો પોળી,
મારા વીરાને
આખી પોળી.
લેજે મોઢામાં..
હબૂ..ક પોળી !

દાદાનો ડંગોરો લીધો

દાદાનો ડંગોરો લીધો,
તેનો તો મેં ઘોડો કીધો.
ઘોડો ચાલે રૂમઝૂમ,
ધરતી ધ્રૂજે ધમધમ
ધમ ધમ ધરતી થાતી જાય,
મારો ઘોડો કૂદતો જાય,
કૂદતાં કૂદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ !

No comments:

Post a Comment